વડોદરા પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વૈકલ્પિક સ્ટીલ બ્રિજના કામે વેગ – સરકાર તરફથી ₹9.12 કરોડની મંજૂરી
વડોદરાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 22 લોકોનાં મોત થયા હતા મહીનદી પર આવેલા આ મહત્વના પુલનો એક ગાળો 9 જુલાઈના રોજ ધરાશાયી થયો હતો. ઘટનાના પગલે મુખ્યમાર્ગ બંધ થતાં પાદરા–બોરસદ વિસ્તારમાં રોજગારી અર્થે અવરજવર કરતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વાહન વ્યવહાર ડાયવર્ઝનને કારણે લાંબા ચક્કર લગાવવાની ફરજ પડતાં ઔદ્યોગિક વિસ્તારો સુધી પહોંચવામાં અડચણો ઉભી થઈ હતી.
દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગે ક્ષતિગ્રસ્ત પુલનું નિરીક્ષણ કરીને તેની બાજુમાં નવીન પુલના કાર્યની શરૂઆત કરી છે. હાલ સુધી નવા પુલનું લગભગ 22 ટકા કામ પૂર્ણ થયું છે. રાહદારીઓ અને ટુ-વ્હીલરો માટે જૂના ગંભીરા બ્રિજનું સમારકામ કરીને તેને ચાલુ રાખવાની તૈયારી હાથ ધરાઈ છે. સ્ટીલ બ્રિજ માટે મંત્રી રમણભાઈ સોલંકીની રજૂઆત બાદ મંજૂરી મળી છે પાદરા–બોરસદ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના ઝડપી ઉકેલ માટે સ્ટીલ બ્રિજના વિકલ્પની રજૂઆત કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી. રજૂઆતને અનુસરીને 18 નવેમ્બર 2025થી કુલ ₹9.12 કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પુલ પર નવીનતમ સ્ટીલ બ્રિજ બનાવવા તથા અન્ય ગાળાઓના સમારકામ માટે મંજૂરી આપાઈ છે.કાર્ય પૂર્ણ થવાથી વડોદરા અને આનંદ જિલ્લામાં અવરજવર કરતા લાખો લોકોને રાહત મળશે. ઔદ્યોગિક ક્ષેત્રો સુધી પહોંચવાનું અંતર અને સમય બંને ઘટશે, અને વિસ્તારના વાહનવ્યવહારને ફરી ગતિ મળશે.
