સુભાનપુરા ઝાંસી રાણી મેદાન ખાતે ઓપન બોક્સ ડે–નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચમાં ગોકુલ ઇલેવન વિજેતા રહી હતી.વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસી રાણી મેદાન ખાતે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તથા વોર્ડ નં. 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે આયોજિત ઓપન બોક્સ ડે–નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું 21 થી 29 નવેમ્બર દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ રોજ સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી રમાડવામાં આવી હતી, જેમાં વોર્ડ નં. 9ની વિવિધ સોસાયટીઓમાંથી રચાયેલી કુલ 365 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ આયોજનમાં પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, ક્રિકેટર અતુલ બેદાળે, સાંસદ ડો. હૈમાગ જોષી, મેહુલ લાખાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને ટી-શર્ટ અને ટેનિસ ક્રિકેટ કિટ નિશુલ્ક આપવામાં આવી હતી. વોર્ડ નં. 9ની દરેક સોસાયટીમાંથી ટીમો બને અને ખેલાડીઓ પોતાનું પ્રતિનિધિત્વ કરે તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.રોચક ફાઇનલ મુકાબલામાં ગોકુલ ઈલેવન ટીમે ઉત્તમ રમત દ્વારા ચેમ્પિયન ટ્રોફી અને રૂ. 31,000નું ઇનામ જીત્યું હતું, જ્યારે સાઈનાથ ઈલેવન ટીમે રૂ. 11,000નું ઇનામ અને રનર્સ-અપ ટ્રોફી પ્રાપ્ત કરી હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓના ઉમંગ અને રમતપ્રેમે માહોલ જીવંત બનાવી દીધો હતો. અંતે 365 ટીમોની ભાગીદારી સાથે વોર્ડ નં. 9ના ખેલાડીઓએ સાબિત કર્યું કે વોર્ડ નં. 9 માત્ર રમ્યો જ નહીં પરંતુ જીત્યો પણ.
