વડોદરા : ગોલ્ડન બ્રિજ નજીક હાઈવે પર હરણી પોલીસે મોકળાસર દારૂ લાવવામાં આવી રહ્યો હોવાનો સંદેહ થતાં એક શંકાસ્પદ આઇશર ટેમ્પાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ટેમ્પાને રોકવા ઇશારો કર્યો છતાં ચાલકે વાહન ઝડપથી આગળ દોડાવ્યું હતું.પોલીસે પીછો કરતાં ટેમ્પો હાઈવેની સાઇડ પર ઉભો રાખી ચાલક અંધારાનો ફાયદો લઈ ફરાર થઈ ગયો હતો. બાદમાં હરણી પોલીસ દ્વારા ટેમ્પોની તપાસ કરવામાં આવી તો અંદરથી રૂા. 5.08 લાખનો દારૂ અને બિયરના કાર્ટનનો જથ્થો મળી આવ્યો હતો.જપ્ત કરાયેલા ટેમ્પો અને દારૂ સહિત કુલ રૂા. 9.59 લાખનો મુદ્દામાલ હરણી પોલીસે કબજે કર્યો છે. ટેમ્પાના નંબરના આધારે ફરાર ચાલકની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ હાલ દારૂ કયાંથી લાવવામાં આવી રહ્યો હતો અને કયાં પુરવઠો કરવાનું હતું તેની દિશામાં પણ તપાસ આગળ ધપી રહી છે.
