વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી ઓછા પ્રેશરથી મળતું હોવા ઉપરાંત દૂષિત પાણીની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી છે. નગરજનો પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે વારંવાર વોર્ડ કચેરી તેમજ મહાનગરપાલિકા પાસે રજૂઆતો કરતા હોવા છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી.શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં હરણી રોડ પર સોનીની વાડી પાસે મુખ્ય પાણી લાઈનમાં ભંગાણ પડતા પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવતા હજારો લીટર અમૂલ્ય પાણી બિનઉપયોગી રીતે વહ્યુ હતું હરણી વિસ્તારના નાગેશ્વર મહાદેવ મંદિર આસપાસની સોસાયટીઓમાં લાઈન ભંગાણના કારણે શિયાળામાં જ વરસાદી માહોલ સર્જાયો હતો. રસ્તાઓ પર પાણી પૂર આવવા જેવી સ્થિતિ ઉભી થતાં સ્થાનિકોને આવન જાવન કરવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
એક તરફ પાલીકાએ શહેરમાં પાણીના લાઈનના જોડાણ ને લઇ પાણી વિતરણ અસરગ્રસ્ત થશે તેમ જણાવેલ છે , તો બીજી તરફ પાઇપલાઇનના વારંવાર થતા ભંગાણને કારણે પીવાના શુદ્ધ પાણીનો જબરજસ્ત વેડફાટ થઈ રહ્યો છે. તંત્રની બેદરકારીને કારણે વારંવારના આ બનાવોથી જાગૃત નાગરિકોમાં ભારે નારાજગી છે.
સ્થાનિક લોકોએ તંત્રને તાબડતોબ પગલાં લઈ પાણીની લાઈનોમા થતા ભંગાણ મુદ્દે કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી છે. ત્યારે આ મુદ્દે તંત્ર ક્યારે ગંભીરતાથી લે છે તે હવે જોવાનું રહ્યું.
