વડોદરાના રાવપુરા વિસ્તારમાં લાંબા સમય બાદ શરૂ કરાયેલા રોડ સમારકામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળતા સ્થાનિકોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. વોર્ડ નંબર 7માં આવતા પટની મોહલો, રાવપુરા અને શિયાપુરા પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારોમાં વર્ષોથી રસ્તાની કરૂણ સ્થિતિને કારણે લોકો વધતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ટેક્સ ભરતા નાગરિકોને ખાડા રહિત રસ્તા જેવી મૂળભૂત સુવિધા પણ મળી રહી નથી.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ઘણા વર્ષોથી અવગણાયેલી આ રોડની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ હતી પરંતુ કામ અધૂરું અને તકલાદી રીતે કરવામાં આવ્યું છે. વિસ્તારમાં અડધો જ રોડ બનાવવામાં આવ્યો છે, જ્યારે બાકીનો ભાગ યથાવત ખરાબ હાલતમાં છે. બનાવેલા ભાગમાં પણ ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે તેમજ ગટરના ભાગે પણ નબળી ગુણવત્તાની કામગીરી દેખાઈ રહી છે.
લોકોએ આક્ષેપ કર્યો કે શહેરમાં અનેક જગ્યાએ રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ગુણવત્તા વિનાની કામગીરીને કારણે નાગરિકોના પૈસા બરબાદ થઈ રહ્યા છે. તંત્રના અધિકારીઓ એસી કેબિનમાં બેસીને કોન્ટ્રાક્ટરોના બિલ પાસ કરે છે, પરંતુ સ્થળપર જઈને દેખરેખ ન કરતા હોવાથી આવા તકલાદી કામો ચાલ્યા કરે છે. પ્રજાના હિત કરતા સત્તાધીશો વહીવટી તંત્રના અધિકારીઓને જાણે કે કોન્ટ્રાક્ટરોના હિત વહાલા હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે
સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે ડિગ્રીધારી, ભણેલા અધિકારીઓ અને સત્તાધીશો હોવા છતાં ગુણવત્તાવાળી કામગીરી નહીં થાય તો નગરજનોના હિતો કોણ સાચવશે? તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરના પ્રતાપે થતી નબળી કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક ગુણવત્તાસભર કામની માંગ ઉઠી છે.
રસ્તાની આ હકીકત ફરી એકવાર વડોદરામાં ચાલી રહેલી વિકાસકારી કામગીરીના દાવાઓ ઉપર સવાલ ઉઠાવે છે
