વડોદરામાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે. તાજેતરની કાર્યવાહી દરમિયાન ગોત્રી વિસ્તારથી એમડી ડ્રગ્સ સાથે એક 20 વર્ષીય યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ગોત્રીના મકરંદ દેસાઈ રોડથી નિલામ્બર સર્કલ તરફ ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની ગુપ્ત માહિતી મળતા પીઆઈ આર.એન. પટેલની આગેવાની હેઠળ ટીમ ગોઠવી શકમંદોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને જોઈ ગભરાઈ જતાં એક યુવક પર શંકા જતાં તેની તપાસ હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન પીયુષ દિપકભાઈ સોલંકી (રહે. અકોટા, રામપુરા વુડાના મકાન) નામના યુવક પાસેથી રૂ. 35,850 કિંમતનું 11.95 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ડ્રગ્સ ક્યાંથી આવ્યું? કોણે મોકલ્યું? અને ક્યાં પહોંચાડવાનું હતું? તે ઉપરાંત કેટલા સમયથી ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હતી જેવી વિગતો વિશે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે છેલ્લા 12 દિવસમાં વડોદરા પોલીસ દ્વારા ચરસ, ગાંજા અને એમડી ડ્રગ્સના કુલ 6 કેસ ઉકેલવામાં આવ્યા છે. ડ્રગ્સના વધતા પ્રભાવને રોકવા માટે પોલીસ દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં અવેરનેસ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યાં છે.
