એશિયા સ્પેસિફિકમાં આ સન્માન મેળવનાર એકમાત્ર પ્રોફેસર
એમ.એસ. યુનિવર્સિટી બરોડાની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ AMPP ગુજરાત ચૅપ્ટરના ચેરપર્સન ડૉ. સુનિલ કહારને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવતા ગૌરવસભર એવોર્ડથી સન્માનીત થવાના છે. અમેરિકાની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થા એસોસિએશન ફોર મટીરિયલ્સ પ્રોટેક્શન એન્ડ પરફોર્મન્સ (AMPP) દ્વારા તેમને પ્રતિષ્ઠિત એલેન બોમેન ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવશે.
ડૉ. કહાર એશિયા સ્પેસિફિક ક્ષેત્રમાંથી આ સન્માન મેળવનાર એકમાત્ર પ્રોફેસર બનશે.
ડૉ. સુનીલ કહારની આ સિદ્ધિ માત્ર બરોડાની એમ.એસ. યુનિવર્સિટી માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતના વૈજ્ઞાનિક જગત માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની છે. મટીરિયલ્સ પ્રોટેક્શન અને કાટવ્યવસ્થાપન ક્ષેત્રે તેમના સતત યોગદાનને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. ડૉ. કહારે જણાવ્યું મુજબ, જાન્યુઆરી 2023માં એમ.એસ. યુનિવર્સિટીમાં AMPP ઈન્ડિયા વેસ્ટ ઝોન સ્ટુડન્ટ ચૅપ્ટરની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં તેઓ એડવાઈઝર તરીકે નિયુક્ત થયા હતા. આ દરમિયાન વિવિધ ટેક્નિકલ કાર્યક્રમો, વર્કશોપ્સ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન થયું હતું. આ તમામ કાર્યોને ધ્યાને લઈ AMPPએ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદ કર્યા છે.
ડૉ. કહારને આ એવોર્ડ 18 માર્ચ 2026ના રોજ અમેરિકા, હ્યુસ્ટન (ટેક્સાસ) ખાતે યોજાનાર AMPP એન્યુઅલ કોન્ફરન્સ એન્ડ એક્સ્પોની ‘ઓનર નાઇટ’ દરમિયાન પ્રદાન કરવામાં આવશે.
ડૉ. કહારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડઝનથી વધુ કાર્યક્રમોનું આયોજન અને અધ્યક્ષતા કરી છે, જેના કારણે શૈક્ષણિક જગત અને ઉદ્યોગક્ષેત્ર વચ્ચે મજબૂત નેટવર્કિંગ વિકસ્યું છે. તેમના પ્રયાસોથી અનેક યુવા એન્જિનિયરોને કોરોશન સાયન્સ અને મટીરિયલ્સ પ્રોટેક્શન ક્ષેત્રમાં સંશોધન કરવાની પ્રેરણા મળી છે.
એમ.એસ.યુ., ગુજરાત તથા ભારત માટે આ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે.
