વડોદરા જિલ્લાના વંદે કમલમ કાર્યાલય ખાતે ગઈકાલે એસઆઈઆર કામગીરીને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ તથા રાજ્ય સંગઠન મંત્રીની ઉપસ્થિતિ નોંધાઈ હતી. મધ્ય ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બેઠકમાં તમામ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખો અને વડોદરા મહાનગર પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક અંગે ભાજપના અગ્રણી ભરત ડાંગરે માહિતી આપતાં જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતના દરેક જિલ્લાના અધ્યક્ષ, પ્રભારી, સાંસદો, ધારાસભ્યો, એસઆઈઆર કામગીરીના જિલ્લાવાર ઇન્ચાર્જ તથા વિધાનસભા પ્રભારીઓ સાથેની આ વિશેષ બેઠક રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
વધુમા જણાવવામાં આવ્યું હતું કે મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાં આવેલા વિવિધ વિધાનસભા વિસ્તારોમાં બૂથ સ્તરે એસઆઈઆર કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે અંગે બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ભરત ડાંગરે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે ભાજપ ક્યારેય માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામગીરી કરતી નથી. લોકોની વચ્ચે રહીને તેમની સેવા કરવી એ જ ભાજપની કાર્યપદ્ધતિ છે. તેથી જ ગુજરાત અને ભાજપ સિક્કાની બે બાજુ સમાન છે. ચૂંટણી માટે વિશેષ કામગીરી કરવાની જરૂર નથી, પરંતુ જનસેવા હંમેશાં ભારતીય જનતા પાર્ટીની પ્રથમ પ્રાથમિકતા રહી છે.
