અમદાવાદના વાસણા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં દારૂના નશામાં ધુત ટ્રકચાલકે એક્ટિવા લઈને શાળાએ જતી બે શિક્ષિકાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક શિક્ષિકા રૂપલબેનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજી શિક્ષિકા ધ્વનિબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, બંને શિક્ષિકાઓ શાંતિપુરાની ખાનગી શાળામાં ફરજ બજાવે છે અને રોજની જેમ આજે પણ એક્ટિવા લઈને શાળાએ જવા માટે નીકળ્યાં હતાં. વાસણા બસ સ્ટેન્ડ પાસે પહોંચતા જ ગેસ બોટલો ભરેલો ટ્રક ચાલકે બેફામ ઝડપે આવી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે બંને શિક્ષિકાઓને ટ્રકે લગભગ 35 ફૂટ સુધી ઢસડી દીધી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ટ્રક રોકવા બદલે ચાલકે મહિલાઓ પર ટ્રક ચડાવી દીધો હતો.
ટ્રકમાં ગેસની બોટલો ભરેલી હોવા છતાં સદનસીબે કોઈ વિસ્ફોટ સર્જાયો નહોતો, નહિંતર ઘટના વધુ ભયાનક બની શકતી હતી. અકસ્માત બાદ ડ્રાઇવર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને દબોચી લીધો હતો. ક્રોધિત લોકોએ ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યા બાદ તેને ટ્રાફિક પોલીસને સોંપી દીધો હતો.
ટ્રાફિક પોલીસે પ્રાથમિક તપાસમાં ટ્રકચાલક મીઠુલાલ ભાટ દારૂના નશામાં હોવાનું બહાર પાડ્યું છે. ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ડ્રાઇવરનો મેડિકલ ટેસ્ટ કરવાની પ્રક્રિયાનો પણ આરંભ કર્યો છે.
આ દુર્ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી છે પણ તેનો કડક અમલ ન થતા આવા દારૂડીયાઓના કારણે નિર્દોષોના જીવ જાય છે ત્યારે પોલીસની દારૂબંધીની ખોખલી વાતોને લઈ લોકોએ આક્રોશ ઠલવ્ય હતો તથા આવા દારૂડિયા વાહન ચાલકો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
