સ્માર્ટ સિટી વડોદરા મહાનગર પાલિકામાં ફરી એક વખત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દર્શક મિત્રો, કોઈ માણસ ગુમ થયો હોય એવું તમે સાંભળ્યું હશે, કોઈ વસ્તુ ગુમ થવાની ખબર પણ સાંભળેલી હશે, પરંતુ આ વખતે સ્માર્ટ સિટી વડોદરા મહાનગર પાલિકામાંથી જ એક મહત્વપૂર્ણ ફાઈલ ગુમ થઈ ગઈ છે.ફાઈલને પગ નથી, એ ચાલીને ક્યાંય ન જતી હોય—તો પછી આ ફાઈલ ગઈ ક્યાં? આ સવાલે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. માહિતી અનુસાર, પાલિકાની પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા ‘અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક પ્રા. લિ.’ સંબંધિત મૂડ ફાઈલ મળી નથી. ફાઈલ ન મળતા વિભાગના અધિકારી મંગેશ જયસ્વાલે સયાજીગંજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
ફાઈલનો દૂરુપયોગ ન થાય તે માટે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. અગાઉના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ના કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં કામોની દરખાસ્ત માટે મુકાનાર આ ફાઈલ પાલિકાની કેમ્પ ઓફિસમાંથી જ ગાયબ થઈ ગઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.હવે ચર્ચા એ છે કે—ફાઈલ સાચે ગુમ થઈ છે કે કોઈએ ઇરાદાપૂર્વક ગુમ “કરી” છે? આ મુદ્દો હવે તપાસનો વિષય બન્યો છે.વિભાગના અધિકારી મંગેશ જયસ્વાલે ફાઈલની ગંભીરતા સમજી તેને શોધવા પ્રયાસો કર્યા, પરંતુ ફાઈલ મળી નહિ. અંતે તેમણે મામલો પોલીસ સુધી પહોંચાડ્યો છે. હાલ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી છે ફાઈલ ગુમ થવા કે કરાવવાનો કોણો સ્વાર્થ હતો? તે તપાસ બાદ જ સામે આવશે.ફરિયાદ અંગે અધિકારી મંગેશ જયસ્વાલે જણાવ્યું છે કે વિભાગની મહત્વપૂર્ણ ફાઈલ ન મળતા કાયદેસરની તમામ પ્રક્રિયા અનુસરી ફરિયાદ નોંધાવી છે અને મામલો હવે તપાસ હેઠળ છે.
