વડોદરા : શહેરમાં ગેરકાયદે દબાણો હટાવવા માટે વડોદરા મહાનગરપાલિકા ફરી એકવાર એક્શન મોડમાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં કાચા-પાકા દબાણો, ગેરકાયદે ઢોરવાડા તેમજ લારી-ગલ્લા-પથારા-શેડ જેવા ગેરકાયદે બાંધકામો સામે દબાણ શાખા દ્વારા વ્યાપક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ અભિયાનના ભાગરૂપે દક્ષિણ ઝોનના અટલાદરા–સ્વામિનારાયણ મંદિર મેઇન રોડ વિસ્તારમાં વર્ષોથી ઉભેલા ગેરકાયદે બાંધકામો પર મેગા ઓપરેશન ચલાવવામાં આવ્યું. જેમાં કુલ 45 ગેરકાયદે દુકાનો અને 11 છાપરાવાળા ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવીને દબાણ શાખાએ રસ્તાઓ ખુલ્લા કર્યા.કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસ દળ, એસ.આર પી ની ટીમ, ફાયર બ્રિગેડ, વીજ નિગમ, ટાઉન પ્લાનિંગ વિભાગ તેમજ તાકીદની સેવાઓ માટે એમ્બ્યુલન્સની ટીમ હાજર રહી હતી. તેમના સહયોગથી સમગ્ર ઓપરેશન વિના વિઘ્ને સફળતાથી પૂર્ણ થયું હતું. દબાણ શાખા દ્વારા જણાવાયું કે આવનારા દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે દબાણો સામે સતત અભિયાન ચાલુ રહેશે.
