વડોદરામાં ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરફેર કરતા વાહનો સામે આરટીઓ, એસટી વિભાગ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઈ છે. ત્રણ દિવસ સુધી ચાલેલી આ અભિયાનમાં કુલ 150 વાહનો સામે કેસ નોંધાયા છે તેમજ 53 જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. ઉપરાંત રૂ. 1,87,000 નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
આ કામગીરી વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના આરટીઓ અધિકારી જે.કે. પટેલ અને એસટી મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતાના વડા આર.ડી. ગળચરની સૂચનાનાં આધારે હાથ ધરાઈ હતી. સુરક્ષા ખાતાના સ્ટાફ, આરટીઓ વડોદરા અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.
મોટર વેહિકલ ઇન્સ્પેક્ટર એન.બી. પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી પ્રાઇવેટ વાહનો દ્વારા ગેરકાયદેસર મુસાફરોનું વહન થાય છે, જેના કારણે રાજ્ય સરકારની ટેક્સ આવક અને નિગમની આવકને મોટું નુકસાન પહોંચે છે. સાથે જ આવા વાહનચાલકોના કારણે અકસ્માતોની શક્યતા પણ વધે છે, જે ગંભીર બાબત છે.
તેમણે વધુમાં કહ્યું કે કાર્યવાહી દરમ્યાન પરમિટ ભંગ, રોડ સેફ્ટી નિયમોના ઉલ્લંઘન અને ઓવરલોડ જેવા ઉલ્લંઘનો સામે પગલાં લેવાયા છે. ત્રણ દિવસના અભિયાન દરમ્યાન માત્ર એક જ દિવસે 40 જેટલા વાહનો સામે કેસ નોંધવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે આવનારા સમયમાં પણ ગેરકાયદેસર મુસાફરી સામે આવું જ કડક અભિયાન ચાલુ રહેશે.
