વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના જરૂરિયાતમંદ નાગરિકોને હૃદયની શસ્ત્રક્રિયા અને સારવાર માટે મળતી આર્થિક સહાય અંતર્ગત ગુરૂવાર, તા. 20-11-2025 ના રોજ સાંજે 4 વાગ્યે માનનીય મેયરશ્રીના વરદહસ્તે સહાયના ચેકો અપાયા હતા. મેયરશ્રીની ચેમ્બર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયરશ્રી, સ્થાયી સમિતિના ચેરમેન, વિરોધ પક્ષના નેતા તથા સહાય માટે ભલામણ કરનાર મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે કુલ 2 શહેરીજનોને હૃદયની શસ્ત્રક્રિયા બાદ મહત્તમ રૂ. 50,000/- ની મર્યાદા મુજબ કુલ રૂ. 1,00,000/- ની આર્થિક સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા. મહાનગરપાલિકા દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેયરશ્રીની ભલામણ પરથી આ સહાય આપવામાં આવે છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2006-07 થી અત્યાર સુધીમાં કુલ 540 નાગરિકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. હૃદયની શસ્ત્રક્રિયા બાદ આપવામાં આવેલી આ સહાયની કુલ રકમ રૂ. 2,55,07,095/- સુધી પહોંચી છે, જે મહાનગરપાલિકાની લોકોપ્રેમી નીતિનું પ્રતિબિંબ છે.
કાર્યક્રમ દરમ્યાન સહાય મેળવનાર નાગરિકોએ મેયરશ્રી તેમજ ભલામણ કરનાર તેમના વિસ્તારના કાઉન્સીલરો પ્રત્યે ભાવવિભોર થઈ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મેયરશ્રીએ સહાયના ચેક અર્પણ કરતાં લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત અધિકારીઓ તથા મહાનુભાવોએ મહાનગરપાલિકાની આ માનવસેવા આધારિત યોજનાની પ્રશંસા કરી હતી.
