વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખા દ્વારા ખાદ્ય તેલના વેપારીઓ પર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોખંડી વિસ્તારમાં આવેલી સાઈનાથ એન્ટરપ્રાઈઝમાં આજે પાલિકાની ટીમે ચેકિંગ કર્યું હતું.
તહેવારો દરમિયાન ભેળસેળની વધતી શંકાને આધારે પાલિકાની સંકલન બેઠકમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ રજૂઆત કરતાં આ કાર્યવાહી વધુ કડક બનાવવા સૂચના આપવામાં આવી હતી. તેઓએ ફરિયાદ કરી હતી કે વારંવાર એક જ વેપારી દ્વારા ભેળસેળ થતી હોવા છતાં કડક પગલા લેવાતા નથી.ચેકિંગ દરમિયાન છૂટક તેલનું વેચાણ થતા જોવા મળ્યું, જોકે વેપારી પાસે સેન્ટ્રલ લાઈસન્સ હોવાથી સેમ્પલ લેવામાં આવ્યું નહીં. અધિકારીઓએ વેપારીને સૂચના આપી કે છૂટક તેલ વેચતી વખતે ગ્રાહકોને તેલનું કંપની નામ અને પ્રકાર ચોક્કસ જણાવવામાં આવે.પાલિકા કમિશનરના સૂચન બાદ હવે ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા તત્પર બની છે. તહેવારોમાં લેવાયેલા નમૂનાઓની ચકાસણીનો રિપોર્ટ સામાન્ય રીતે 15 દિવસ બાદ મળે છે. જો નમૂનો અનસેફ અથવા સબ-સ્ટાન્ડર્ડ મળે તો વેપારી સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.જોકે તે દરમિયાન ગ્રાહક ચીજ વસ્તુઓ આરોગી જતો હોય છે. તંત્ર દ્વારા ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડનાર તત્વો સામે રેગ્યુલરી ધોરણે કામગીરી થાય તે જરૂરી છે અને કોઈ ભેળસેળ જણાય તો માત્ર દંડ કરવા પૂરતી કામગીરી નહીં પણ કડક કામગીરી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવુ લોકો ઈચ્છી રહ્યા છે આજની કામગીરી સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી
