વડોદરામાં નાગરિક પ્રશ્નોને લઈને કોંગ્રેસ પક્ષે આજે મ્યુનિસિપલ કમિશનર કચેરી બહાર અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં મળતા દુષિત પાણી, રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર અને SIRને લઈને થયેલી ગેરવ્યવસ્થાઓ સામે કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજુઆત કરી હતી.
મળતી માહિતી મુજબ, અટલાદરા તળાવ પાસે બનેલા રસ્તાની કામગીરીમાં ગંભીર ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. રસ્તામાં નબળી ગુણવત્તાના ડામરનો ઉપયોગ થયાના કારણે નાગરિકો હાલમાં તકલીફોમાં મુકાયા છે. કોંગ્રેસ પક્ષે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની અને દંડ ફટકારવાની માંગ ઉઠાવી છે.
વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનરને ડામરની નબળી ગુણવત્તા દર્શાવતી બોટલ તથા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મળેલું દુષિત પાણી ભરેલી બોટલ આપી આવેદનપત્ર સુપરત કર્યું હતું. મ્યુ કમિશનર કચેરી બહાર કોંગ્રેસ કાર્યકરોએ BJP ચોકડી કરી વિરોધ દર્શાવતી ડામરની રંગોળી પાથરી હતી અને સૂત્રોચાર કરીને મેયર ભાજપ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો હતો.કોંગ્રેસનું કહેવું છે કે મેયર અને ચેરમેનના પોતાના વોર્ડમાં જ પીવાના પાણીની દયનીય સ્થિતિ છે, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.
ગુણવત્તા વિહીન રસ્તા દુષિત પાણીની સમસ્યા SIR મુદ્દે કોંગ્રેસે કરેલ રજૂઆતમાં હાલમા સર્જાયેલી સમસ્યાઓ પરિસ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જે મુદ્દાઓ રજૂ કરાયા છે તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. અટલાદરાના રસ્તાની કામગીરી અંગે તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરી હોય ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મ્યુ કમિશનરે વધુમાં ઉમેર્યું કે વડોદરા શહેરમાં પીવાના પાણીની લાઈન અત્યંત જૂની છે, જેને બદલવાની પ્રક્રિયા પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને નાગરિકોએ કામ માટે થોડો સમય આપવો પડશે.
તેમણે SIR સંબંધિત કોઈ ગેરસમજને પણ ટૂંક સમયમાં દૂર કરવાની ખાતરી આપી હતી
