વડોદરામાં ખેલ મહાકુંભ 2025 અંતર્ગત યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે સતત વિવિધ રમતોનું આયોજન થઈ રહ્યું છે. આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી જંપ અને થ્રો ઇવેન્ટમાં શહેરના બાળકોમાં ઉત્સાહ અને ખેલંદાજીનો જોરદાર માહોલ જોવા મળ્યો.
રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જંપ અને થ્રો ઇવેન્ટ કોમ્પિટિશન યોજાઈ હતી.
પશ્ચિમ ઝોનના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બાળકો વિવિધ કેટેગરીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. લાંબી કૂદ, ઊંચી કૂદ અને થ્રો જેવી ઈવેન્ટ્સમાં બાળકોએ સંપૂર્ણ ઊર્જા અને ઉત્સાહ સાથે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી.પ્રત્યેક કેટેગરીમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સ્થાન મેળવનાર ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી, જેને ટૂંક સમયમાં રોકડ પુરસ્કારો આપવામાં આવશે.
ઇવેન્ટ દરમિયાન વાલીઓ અને સ્કૂલોના પી.ટી. શિક્ષકોની ઉપસ્થિતિએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. બરોડા એથેલેટ્સ એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ, એઝાઝ મિર્ઝા અને કન્વીનર સાજીદ મન્સૂરી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્પર્ધાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારની સ્પર્ધાઓ યુવા પેઢીમાં રમતગમત પ્રત્યેનો રસ વધારવાનું તેમજ શારીરિક વિકાસ અને ટીમ સ્પિરિટને મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ કામ કરે છે.
