વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીમાં વધુ સચોટતા આવે તે માટે બે દિવસીય વિશેષ સઘન સુધારણા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના અલગ-અલગ વિધાનસભા વિસ્તારોમાં આવેલ વસાહતો અને સોસાયટીઓને ધ્યાનમાં રાખીને આ ખાસ drives શરૂ કરાયા છે.
અકોટા વિધાનસભા વિસ્તાર હેઠળની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભારતીય શાળામાં આયોજિત કેમ્પ દરમિયાન જાણવા મળ્યું કે શહેરમાં કેટલાક વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીઓના દબાણો તોડાયા છે, જ્યારે કેટલીક સોસાયટીઓ રીડેવલપમેન્ટ અંતર્ગત છે. પરિણામે ઘણા મતદારોની વિગતોની ખરાઈ બાકી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્રએ સમગ્ર શહેરના વિવિધ બુથ વિસ્તારોમાં તા. 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ આ કેમ્પો યોજવામાં આવી રહ્યા છે.
કેમ્પમાં બીએલઓ દ્વારા ફોર્મનું વિતરણ કરવામાં આવે છે અને નવા મતદારોને ફોર્મ ભરવામાં સહાયતા પણ આપવામાં આવે છે. જેમણે પહેલા ફોર્મ ભર્યા છે, તેવા મતદારોના ફોર્મ પણ અહીં સ્વીકારવામાં આવશે. ઉપરાંત જેમણે હજી સુધી ફોર્મ મેળવ્યા નથી તેમને પણ કેમ્પમાં જ ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ચૂંટણી તંત્ર દ્વારા શહેરની તમામ વોર્ડ ઓફિસોમાં હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી નાગરિકો સરળતાથી પોતાના નામમાં સુધારા–વધારા અથવા નવી એન્ટ્રી કરાવી શકે.
આ ખાસ કેમ્પો મતદાર યાદીને અપડેટેડ તથા નિખાલસ બનાવવાના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. નાગરિકોને પોતાના વિસ્તારમાં યોજાતા કેમ્પનો લાભ લેવા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
