વિશ્વવિખ્યાત ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની વિવિધ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.ગઈ કાલે આ મામલે વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા યુનિવર્સિટીના ચીફ વોર્ડનને લેખિતમાં આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે.શિયાળાની શરૂઆત છતાં હજુ સુધી કેટલીક હોસ્ટેલોમાં ગરમ પાણીની સુવિધા શરૂ કરાઈ નથી.ગર્લ્સ હોસ્ટેલમાં નાહવાના પાણીની ગુણવત્તા અત્યંત નબળી હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર થવાની શક્યતા છે.
બોયઝ હોસ્ટેલમાં પીવાના પાણીના કુલરની સ્વચ્છતા જળવાતી નથી, તેમજ પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત હોવાની ફરિયાદ છે. આસપાસ જીવજંતુઓની સમસ્યા પણ વધી છે.વૉશરૂમની મરામત અને સફાઈનું કાર્ય તાત્કાલિક હાથ ધરવાની જરૂર છે.સાથે જ HM હોલની મેસમાં કામ કરતા એક યુવક દ્વારા ભોજન માટે આવતી છાત્રાઓના ફોન નંબર માંગી, મેસેજ કરી હેરાન કરવામાં આવ્યા હોવાનો ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ગર્લ્સ હોસ્ટેલમાં મેલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઈન્સ્પેક્શન માટે પ્રવેશ કરવામાં આવતા વિદ્યાર્થી પરિષદે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે અને માત્ર ફીમેલ સિક્યુરિટી સ્ટાફ રાખવાની સ્પષ્ટ માંગ કરી છે.
