વડોદરામાં દિવાળી પર્વે આજવા રોડ પર બની છેતરપિંડીની ઘટના, બાપોદ પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં ઠગાઇની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાગા બાવાના વેશમાં આવેલા ઠગોએ એક વૃદ્ધ વેપારીને આશીર્વાદ આપવાના બહાને ગળામાં પહેરેલી સોનાની ચેન અને હાથની વીંટી પડાવી લીધી હતી. આ ઘટનાની ફરિયાદ બાદ બાપોદ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે સૌજન્ય ટાઉનશીપમાં રહેતા સુરેશચંદ્ર દલપતરામ રાણા દિવાળી પર્વે એચડીએફસી બેંક સામે ફટાકડાનો સ્ટોલ ચલાવતા હતા. ગત 19 ઓક્ટોબરના રોજ બપોરના આશરે 3.30 વાગ્યે નંબર પ્લેટ વિહોણી કાર ત્યાં આવી ઉભી રહી હતી. કારમાં ત્રણ વ્યક્તિઓ હતા — એક નાગા બાવાના વેશમાં, એક ડ્રાઇવર અને એક પાછળની સીટ પર બેઠેલો શખ્સ.
ડ્રાઇવરે સુરસાગર જવાનો રસ્તો પૂછ્યો અને બાદમાં વેપારીને બોલાવી નાગા બાવાનો આશીર્વાદ લેવા કહ્યું. વેપારી કારની બારી પાસે ગયા ત્યારે નાગા બાવાએ તેમના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યો અને વાતચીત દરમિયાન વેપારી પાસે રહેલી વીંટી અને સોનાની ચેન માગી લીધી. વેપારીએ આપ્યા બાદ ડ્રાઇવરે કાર આગળ લઇ જવાની બહાને કાર દોડાવી દીધી અને ત્રણે શખ્સો સોનાની ચેન અને વીંટી લઇ ભાગી છૂટ્યા.
વેપારીએ બુમ મચાવી છતાં ઠગો ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસે નાગા બાવાના વેશમાં આવેલા શખ્સ સહિતના ત્રણ ઠગો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
