વડોદરા શહેરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલના પરિસરમાં આવેલા ગટરના ચેમ્બર પાસેથી તાજુ જન્મેલ નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગોત્રી હોસ્પિટલની ટીમ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ મામલે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં પરિસરમાં આવેલા ગટરના ચેમ્બર પાસેથી તાજુ જન્મેલ નવજાત શિશુ સફાઈકર્મીને નજર પડતા ચોકી ઉઠ્યો હતો. બાદમાં તેણે હોસ્પિટલ સ્ટાફ અને પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જ ગોરવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ નવજાત બાળક ક્યાંથી આવ્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.
હોસ્પિટલ પરિસરમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાને લઈ હોસ્પિટનું તંત્ર પણ દોડતું થયું છે, સાથે ગોરવા પોલીસે નવજાત શિશુનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યું છે. પોલીસે હાલમાં આ શિશુને હોસ્પિટલ પરિસરમાં કોણ મૂકી ગયું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
આ અંગે ગોત્રી હોસ્પિટલના ડોક્ટર અનુપમ ચંદાણીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ પરિસરમાં આવેલ ગટરની ચેમ્બર પાસેથી તાજુ જન્મેલ બાળક એક સફાઈકર્મીએ જોયું હતું. આ બાળક ક્યાંથી આવ્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ ખબર પડશે કે આ નવજાતને આ સ્થિતિમાં કોણ મૂકીને ગયું હતું.
