ગુજરાત સરકારના ગૃહ વિભાગે દિવાળી પહેલા ફટાકડાની દુકાનો માટે ફાયર NOC ફરજિયાત કરી, 500 ચોરસ મીટરથી ઓછી દુકાનોને પણ નિયમ લાગુ
આગામી દિવાળી તહેવાર પહેલાં જ ગુજરાત સરકારના ગૃહ વિભાગે ફટાકડા વેચાણ કરતી દુકાનોને લઈને કડક નિયમો જાહેર કર્યા છે. ગૃહ વિભાગે તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટો અને પોલીસ કમિશનરોને પરિપત્ર મોકલી સ્પષ્ટ કર્યું છે કે હવે ફટાકડાના પરવાના ઇશ્યુ, રિન્યુઅલ અને ઇન્સ્પેક્શન વખતે ફાયર સેફ્ટી NOC ફરજિયાત રહેશે. આ નિયમ 500 ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ લાગુ થશે.
ગૃહ વિભાગના સેક્શન અધિકારી ધારા બ્રહ્મભટ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં જણાવાયું છે કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે તાજેતરમાં ફાયર સેફ્ટી માટેની વિગતવાર ચેકલિસ્ટ તૈયાર કરી છે. આ ચેકલિસ્ટને અનુસરીને હવે દરેક દુકાન માટે ફાયર વિભાગની મંજૂરી મેળવવી જરૂરી રહેશે.
.હાલ સુધીમાં મોટા પ્લોટ કે ગોડાઉન પર ફાયર સેફ્ટી નિયમો વધુ લાગુ પડતા હતા. પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ નાની દુકાનોને પણ છૂટ નહીં મળે. એટલે કે, 500 ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ ફાયર NOC ફરજિયાત રહેશે. આ સાથે, દુકાનનું સ્થાન, બહાર નીકળવાના માર્ગ, આગ બુઝાવવાના સાધનો અને સુરક્ષા અંતર જેવા માપદંડોની તપાસ કર્યા વગર પરવાનો મળશે નહીં.
દિવાળી પહેલાં જ સરકાર આ પ્રકારની ગાઇડલાઇન જાહેર કરીને આગોતરી તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાઓને કારણે સરકાર પર દબાણ વધી રહ્યું હતું. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારના આ નવા નિયમો બહાર પડતા વેપારીઓમાં ચર્ચા શરૂ થઈ છે. ઘણા નાના વેપારીઓનું માનવું છે કે આથી તેમની મુશ્કેલી વધી શકે છે, કારણ કે ફાયર NOC મેળવવા માટે સમય તથા ખર્ચ વધશે. બીજી તરફ સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય સમયોચિત છે અને લોકસુરક્ષા માટે આવશ્યક છે.
