વડોદરા નજીક હાઈવે પર પાવાગઢના બે દર્શનાર્થીઓને લૂંટી લેનાર ગેંગને હરણી પોલીસે ઝડપી પાડી છે.
માહિતી મુજબ, રાજસ્થાનના પ્રતાપગઢ નજીક સિદ્ધપુર ખાતે રહેતા કેશુરામ લબાના અને તેમના સંબંધી તા. 30મીના રોજ બસ દ્વારા પાવાગઢ દર્શનાર્થે જઈ રહ્યા હતા. પરંતુ મધરાતે ભૂલથી હાલોલને બદલે આજવા ચોકડી પાસે ઉતરી ગયા હતા. ત્યારબાદ તેઓ પગપાળા ગોલ્ડન ચોકડી તરફ જઈ રહ્યા હતા, એ દરમિયાન સ્કૂટર અને મોટરસાયકલ ઉપર આવેલા ચાર લૂંટારાઓએ લિફ્ટ આપવાના બહાને બંનેને બેસાડી અવાવરું સ્થળે લઈ જઈ માર મારીને તેમની પાસેની રોકડ રકમ અને મોબાઈલ લૂંટી લીધો હતો.
હરણી પોલીસ દ્વારા ઘટનાસ્થળ નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરતાં મોટરસાયકલ અને સ્કૂટરના નંબરના આધારે ચારેય આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે રાહુલ રામાભાઈ ચેનાની, સિદ્ધાર્થ ચેનાની, ચિરાગ ચિમ્પાન શિવપ્રસાદ અગ્રવાલ અને જગદીશ ઉર્ફે છોટુ બીપીનભાઈ રોહિત – ચારેય રહેવાસી શક્તિ વુડાના મકાન, કમલાનગર, આજવા રોડ – ને ઝડપી લીધા છે.
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટેલો મોબાઇલ અને ઉપયોગમાં લેવાયેલી બંને ટુ-વ્હીલર કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
