વિજયા દશમી પર્વે શેરખી સનસિટી ક્લબ ખાતે ભવ્ય રામાયણ મંચન અને રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો
વિજયા દશમી એટલે કે દશેરાના પાવન પર્વે વડોદરા નજીક આવેલ શેરખી સનસિટી ક્લબ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રામલીલા મંચન તથા પરંપરાગત રાવણ દહનનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગઈકાલે દશેરાની ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ ઉજવણીના કેન્દ્રમાં રહ્યું રામાયણનું મંચન, જેનું દિગ્દર્શન વડોદરાની કલાનગરીના જાણીતા નાટ્ય દિગ્દર્શક, અભિનેતા અને વોઇસ આર્ટિસ્ટ મનોજ રાણાએ કર્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી મનોજ રાણા તેમની નાટ્ય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં કલાત્મકતા સાથે સંસ્કાર અને મૂલ્યોનું સિંચન કરતા રહ્યા છે. તેઓ બાળ કલાકારોને નાટ્ય શિબિરો દ્વારા અભિનય તાલીમ આપી રહ્યાં છે અને અનેક મંચનોથી પોતાના કલા યજ્ઞને આગળ ધપાવી રહ્યા છે. આ વર્ષે પણ મનોજ રાણા દિગ્દર્શિત રામાયણનું મંચન શેરખી સનસિટી ક્લબ ખાતે યોજાયું, હતુ જેમાં કલાનગરી વડોદરાના 25 જેટલા કલાકારોએ પોતાની અભિનય પ્રતિભા રજૂ કરી હતી ખાસ વાત એ હતી કે, આ રામાયણના મંચન માટે કલાકારો છેલ્લા 25 દિવસથી સતત પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. તેમની આ મહેનતનું ફળ ગઈકાલે જોવા મળ્યું, જ્યારે રંગભૂમિ પર રામાયણના દ્રશ્યો જીવંત થયા હતા.

મંચ પર પ્રભુ શ્રીરામ, સીતાજી, લક્ષ્મણ, હનુમાનજી, રાવણ અને અન્ય પાત્રોના અભિનયથી સમગ્ર વાતાવરણ પાવન અને ભાવનાત્મક બની ગયું હતું. ખાસ કરીને યુવા કલાકારોના ઉત્સાહી અભિનયે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રેક્ષકગણ તાળીઓના ગડગડાટથી કલાકારોને વધાવતા રહ્યા હતા
રામાયણના મંચન બાદ પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો. હતો આ અવસરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રાવણના પ્રતિક રૂપ પુતળાનું દહન થતાં જ “જય શ્રીરામ”ના ઘોષ સાથે સમગ્ર કાર્યક્રમ ગુંજતો બની ગયો. દશેરાના પર્વ પર રાવણ દહનનો આ કાર્યક્રમ ફરી એકવાર સત્યની અસત્ય પર વિજયનો સંદેશ આપતો રહ્યો. આ સમગ્ર કાર્યક્રમ સમાજમાં ધર્મ સંસ્કૃતિ, એકતા અને કલા પ્રત્યેના ઉત્સાહનું પ્રતિબિંબ બની રહ્યો. શેરખી સનસિટી ક્લબ ખાતે યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમ વડોદરાની કલાત્મક પરંપરા અને ધાર્મિક ભાવનાનો જીવંત સાક્ષી રહ્યો.
