વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ અને નકલી પત્રકાર બની ધમકી આપીને રૂપિયા પડાવનારા ઈસમોને વાડી પોલીસની ટીમે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી મુજબ, ફરીયાદી મહમદ ઉવેશ ઇસ્લામુદિન મલેકે વાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે તા. 26 જાન્યુઆરી 2025ના રોજ સાંજે આશરે 5 વાગ્યે બે અજાણ્યા ઈસમો ફોર્મલ કપડાંમાં તેમના ગોડાઉન પર આવ્યા હતા. ગોડાઉનમાં પડેલા ઇલેક્ટ્રોનિક્સના ભંગારને જોઈ તેમણે પૂછપરછ કરી અને પોતાને પોલીસ અધિકારી ગણાવી GSTનું બિલ માંગ્યું હતું. બાદમાં ત્રીજો વ્યક્તિ કેમેરા અને માઇક સાથે આવી પોતાને પ્રેસનો જણાવી ગોડાઉનનો વીડિયો ઉતારવા લાગ્યો હતો. આરોપીઓએ ફરીયાદીને ધમકી આપી કે સામાન ચોરીનો છે, ગુનામાં ફસાવી દેશે અને પ્રેસમાં લાવી દેશે એમ કહી રૂ. 5 લાખની માગણી કરી હતી.
ફરીયાદી પાસેથી પહેલા રૂ. 60,000 લેવાયા બાદ, 6 ફેબ્રુઆરીએ ફરી એક વખત આવીને 5 લાખની માગણી કરી જેમાંથી રૂ. 50,000 લેવાયા હતા. આ અંગે ફરીયાદી દ્વારા પોલીસમાં અરજી થતાં વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમ બનાવી ટેક્નિકલ સૂત્રો અને બાતમીદારો મારફતે તપાસ હાથ ધરતા આરોપી ફરીયાદીનો જ મિત્ર મોઇન આશીફસા દિવાન તથા દિનેશભાઈ નથુરાવ હીરેનાં નામ બહાર આવ્યા. પોલીસે બંનેને ઝડપી પુછપરછ કરતા અન્ય ત્રણ ઈસમો – સલીમ સિકંદર શેખ, તજ્જમુલઅલી ઉર્ફે લાલુ સૈયદ અને નિવૃત્ત પોલીસકર્મી હર્ષદભાઈ ગોહીલની સંડોવણી પણ સામે આવી.
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ફરીયાદી પાસેથી બળજબરીપૂર્વક લેવાયેલા રૂ. 90,500 રોકડા, એક બાઇક (કિંમત રૂ. 30,000) અને એક ઓટો રિક્ષા (કિંમત રૂ. 1,20,000) સહિત કુલ રૂ. 2,40,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલુ છે.
