ગણેશોત્સવ અને આગામી ઈદના તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. શહેરમાં દરેક ગતિવિધિ પર પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે.
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સતત ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ના દળોને પણ શહેરમાં બોલાવવામાં આવ્યા છે.ડીસીપી ઝોન-2 અને ઝોન-3 હેઠળ આવતા વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે જેથી તહેવારો દરમ્યાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે.પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ ખોટી અફવાઓથી દૂર રહે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપે. ગણેશ વિસર્જન કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે દિશામાં પોલીસ વિભાગ દ્વારા ખાસ કવાયત હાથ ધરાઈ છે.
