MSUની ફેકલ્ટી ઑફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પ્રથમવાર બે દિવસીય હેકથોન 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સતત 32 કલાકીય હેકાથોનમાં 240 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. વિદ્યાર્થીઓએ હેલ્થકેર, શિક્ષણ, HR, પર્યાવરણ, નાણાકીય ક્ષેત્ર, બિઝનેસ અને ટેકનોલોજી જેવા અનેક પડકારો પર નવીનતમ સોલ્યુશન્સ વિકસાવવાનું શરૂ કર્યું છે.વિભાગના પ્રાધ્યાપક ડૉ. વિરલ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ હેકાથોનમાં 45 પસંદગી કરાયેલ ટીમો ભાગ લઈ રહી છે, જે અગ્રણી ઉદ્યોગો અને ટેકનોલોજી સંગઠનો દ્વારા આપવામાં આવેલા વાસ્તવિક સમસ્યા નિવેદનો પર સતત મહેનત કરી રહી છે.આ હેકાથોનમાં AI આધારિત હેલ્થકેર ઈનોવેશન, નાણાકીય વિશ્લેષણ અને માર્કેટ ટ્રેન્ડ્સ, ક્રિમિનલ એક્ટિવિટી ડિટેક્શન માટે CCTV સર્વેલન્સ, પ્રાઈવસી પ્રિઝર્વિંગ સિંથેટિક ડેટા જનરેશન, ઈવેન્ટ મેનેજમેન્ટ પોર્ટલ્સ અને QA ઓટોમેશન ટૂલ્સ જેવા પ્રોજેક્ટ્સ પર કામ થઈ રહ્યું છે.યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર આટલા મોટા પાયે અને ઉદ્યોગોની સક્રિય ભાગીદારી સાથે હેકાથોન યોજાઈ રહ્યો છે. 10 થી વધુ ઉદ્યોગ સાથીઓ, 45 ટીમો અને 32 કલાકની અવિરત નવીનતા સાથે આ ઇવેન્ટ માત્ર અસરકારક સોલ્યુશન્સ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ તકો અને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ પણ આપશે. આ હેકાથોનનો મુખ્ય હેતુ છે — નવિનતા પ્રેરવી, ઉદ્યોગ-શૈક્ષણિક જોડાણ મજબૂત બનાવવું અને નવી પેઢીના સમસ્યા ઉકેલનારાઓને પ્રોત્સાહિત કરવું
