આમોદ,
આમોદમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૬૪ હાલમાં વાહનચાલકો માટે ‘મોતનો માર્ગ’ બની ગયો છે. તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે આ રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડ્યા છે, જેના કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. તાજેતરમાં એક ટેમ્પો ખાડામાં પલટી ખાઈ જતાં માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
આ રસ્તાની દયનીય હાલત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અવારનવારની રજૂઆતો અને મીડિયાના અહેવાલો છતાં સમારકામ ફક્ત દેખાવ પૂરતું જ કરવામાં આવે છે. વરસાદમાં પાણી ભરાઈ જવાથી આ ખાડાઓ દેખાતા નથી, જેના કારણે વાહનચાલકો માટે જીવ બચાવવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને હાઈવેના સર્વિસ રોડ પર ખુલ્લી ગટરો પણ જોખમ વધારી રહી છે.
આ વિસ્તારમાં શાળાઓ અને હોસ્પિટલો આવેલી હોવાથી નાગરિકોમાં ભય ફેલાયો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? શું કોઈ નિર્દોષનો જીવ ગયા પછી જ તંત્ર જાગશે?
આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને તાત્કાલિક યોગ્ય સમારકામની માંગ ઉઠી છે, જેથી નિર્દોષ વાહનચાલકો અને નાગરિકોના જીવ બચાવી શકાય. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
