અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો છે. જ્યાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પર હાલ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેનાથી ગુજરાતભરમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાન વિભાગ પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. આ વચ્ચે ગઈકાલે ગુજરાતના 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જાહેર કરેલા આંકડા પ્રમાણે ગઈકાલે 20 ઓગસ્ટના સવારે 6 વાગ્યાથી 21 ઓગસ્ટના સવારે 6 વાગ્ય સુધીમાં 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો. જેમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13.31 ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે કેશોદમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંદ વંથલીમાં 10.39 ઈંચ વરસાદ વરસ્યો હતો. તો પોરબંદર શહેરમાં પણ 10.24 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નવસારીના ગણદેવીમાં 9.21 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં શહેરમાં વરસાદે ઝાંપટાથી હાજરી પુરાવી હતી. આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં આજે વહેલી સવારથી મહિસાગરના ખાનપુરમાં મેઘ મહેર જોવા મળી હતી.
