માંડવી દરવાજાની પીડા — “હું તૂટી રહ્યો છું, પણ કોઈ સાંભળતું નથી!”
“હું… માંડવી દરવાજો, વડોદરાની ઓળખ. સદીઓથી શહેરના ગૌરવ સાથે ઉભો છું. કેટલાય ઉત્સવ જોયા છે, કેટલીય આફતો સહન કરી છે. પણ હવે હું ધીમે ધીમે તૂટી રહ્યો છું. મારી દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, પથ્થરો ખસવા લાગ્યા છે. કાલે ફરી મારો એક ભાગ ધરાશાયી થયો… લોકો દોડી આવ્યા, ગભરાયા… પણ જેઓએ મને બચાવવુ જોઈએ, તે તંત્રના અધિકારીઓ ક્યાંય નજરે પડ્યા નહિ.”
“ચાર મહિના પહેલા મારા ઘાવ સ્પષ્ટ દેખાયા હતા. મહારાણી રાધિકારાજે ગાયકવાડે પોતે અહીં આવી મારી હાલત જોઈને અવાજ ઉઠાવ્યો હતો. વિઠ્ઠલનાથજી મંદિરના પુજારી હરિઓમ વ્યાસે તો મારી માટે સંકલ્પ કર્યો કે સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પગરખાં નહિ પહેરે. છતાં પણ, તંત્રએ મારી સાચી સારવાર કરવાના બદલે ફક્ત ટેકા મૂકી કામચલાઉ ઉપાય કર્યો. શું હું ફક્ત ટેકા પર જીવી શકું?”
“આજના કહેવાતા સ્માર્ટ સિટીમાં ચમચમતી ઈમારતો થોડા વર્ષમાં જ ખખડધજ થઈ જાય છે, પણ વર્ષો પહેલા મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલી મજબૂત ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે. એ જ ઇમારતો વડોદરાની સાચી ઓળખ છે. પણ હવે લાગે છે કે આ શહેરની ઓળખ ધીમે ધીમે લોકોની યાદમાંથી લુપ્ત થઈ જશે.”
“વિશ્વના કેટલાય દેશોમાં હેરિટેજના રક્ષણ માટે લોકો જાગૃત હોય છે આગળ આવતા હોય છે ..પણ મારા વડોદરાને મને બચાવવા માટે સમય નથી મારા પથ્થરો ખસી રહ્યા છે, મારી દિવાલો તૂટી રહી છે… અને તંત્ર સૂઈ રહ્યું છે. શું ખરેખર મારા માટે કોઈ જાગશે? હું ઇતિહાસની યાદોમાં ન ખોવાઈ જવું તે માટે સમયસર મને બચાવવા ગંભીરતા પૂર્વક પગલા લેવાય તેની જ રાહ જોઈ રહ્યો છું
