વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ ફરી એકવાર દુર્લભ સફેદ વાઘનું આગમન થતા ઝુ તંત્રમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટરના પ્રયાસોથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ ઝુમાંથી વડોદરા ઝુ ખાતે વ્હાઈટ ટાઈગર લાવવામાં આવ્યો છે.આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વડોદરા ઝુમાંથી વિદેશી પક્ષીઓ જેમ કે મકાઉ, કાળા હંસ તેમજ એમેઝોન પેરેટ રાજકોટ ઝુ ખાતે મોકલવામાં આવ્યા છે.હાલ વ્હાઈટ ટાઈગરને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યો છે. જરૂરી આરોગ્ય તપાસ અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ઓપન પિંજરામાં મૂકવામાં આવશે, જેથી નાગરિકો તેને જોઈ શકશે. આ અંગે ઝુ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, લગભગ ચાર દાયકાઓ બાદ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં વ્હાઈટ ટાઈગરનું આગમન ઝુ માટે ગૌરવની બાબત છે. આવનારા દિવસોમાં ઝુ તંત્ર દ્વારા વ્હાઈટ ટાઈગરનું નામકરણ પણ કરવામાં આવશે. જોકે બીજી તરફ કેટલાક પ્રાણીપ્રેમીઓ અને નાગરિકોનો એવો મત પણ સામે આવી રહ્યો છે કે પ્રાણીઓને પાંજરામાં રાખવા બદલે તેમને ખુલ્લા જંગલોમાં સ્વતંત્ર રીતે જીવવા દેવા જોઈએ. આજના સમયમાં પ્રાણીઓ પર અભ્યાસ અને માહિતી મેળવવા માટે અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે મોબાઇલ, ટીવી અને વિવિધ ડોક્યુમેન્ટરી ચેનલો.ત્યારે વર્ષોથી ચાલતા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓ કેદ રહે છે, તેમને પણ સ્વતંત્ર કરવા જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે.
