વડોદરાના ગોરવા દશામાં મંદીર તળાવ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટ પર દબાણ શાખા દ્વારા ઝૂંપડાઓ હટાવવાની કામગીરી ગુરુવારે પણ ચાલુ રહી હતી. દબાણ શાખાની ટીમે પોલીસે બંદોબસ્ત વચ્ચે આજે લગભગ 50 જેટલા ઝૂંપડાઓ હટાવ્યાં હતા.આ કાર્યવાહીનો આજે બીજો દિવસ હતો. ગઈકાલે પણ આ જ જગ્યાએથી 150 થી વધુ ઝૂંપડાઓ અને મકાનો હટાવવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેમને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી અને વીના પૂર્વ સૂચના કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી નથી તેની ફરિયાદ સાથે સ્થળાંતર અંગેની ચિંતાઓ વ્યક્ત કરતા રહીશો એ જણાવ્યું હતું કે “અમે નાનપણથી અહીં રહેીએ છીએ, અમારા બાળકો પણ અહીં મોટા થયા છે, ગરીબ છીએ એટલે જ અહીં છે પણ હવે અચાનક મકાન તોડી નાખવામાં આવે તો અમે ક્યાં જઈશું?” બીજી તરફ અધિકારીઓએ જણાવ્યું છે કે રહિશોને અગાઉથી જ નોટિસો આપવામાં આવી હતી અને નિયમ મુજબની પ્રક્રિયા અનુસરવામાં આવી છે.
