વડોદરામાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ગુજરાત બેમિન્ટન એસોસિએશનની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા યોનેક્ષ-સનરાઇઝ ફોર્થ મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ 2025 ની ફાઇનલ્સ મેચ યોજાઇ હતી. 8 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ચેમ્પિયનશિપ્સમાં અંડર-11 બોય્ઝ અને ગર્લ્સ સ્પર્ધકોએ પોતાના ટાઇટલ જીતી લીધા છે.
11 ડિસેમ્બરે બોય્ઝ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ, બોય્ઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ તમામ કેટેગરીઝમાં ફાઇનલ્સ યોજાઇ હતી. જેમાં બોય્ઝ સિંગલ્સમાં તામિલનાડુના પ્રણવ એસ વીએ દિલ્હીના ચિત્રાંશ શર્માને 21-17, 21-15 એમ સીધા સેટમાં હાર આપી હતી, જ્યારે ગર્લ્સ સિંગલ્સમાં આસામની અભિરૂચિ સાઇકિયાએ શાઇના શર્માને 21-14, 21-7થી હરાવી સરળતાથી વિજય મેળવ્યો હતો. ગર્લ્સ ડબલ્સમાં વેસ્ટ બેંગોલની ઇશાની માંડલ અને આહના શ્રિમાનીની જોડીએ મહારાષ્ટ્રની પ્રિયા અંબ્રુલે અને ક્રિષ્ના ગોયેલ સામે ભારે રસાકસી બાદ 26-24, 14-21, 21-17થી વિજય મેળવ્યો હતો. જ્યારે બોય્ઝ ડબલ્સમાં મનીપુરની એસ લોઇટોંગબામ અને ડી નામીરાકપામની જોડીએ તમિલનાડુના નિરવ હરિહરન અને પ્રણવ એસ વીને 21-18, 21-14થી હરાવી ટાઇટલ મેળવ્યું હતુ. આજે મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ 2025ના અંતિમ દિવસે સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં વિજેતાઓ અને ઉપવિજેતાઓને રોકડ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
