આજવા રોડ પર બુલેટ સવાર યુવકને નશામાં ધૂત કાર ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો નશામાં ધૂત કાર ચાલક એરપોર્ટ ઓથોરિટીનો કર્મચારી હોવાની માહિતી સામે આવી છે વડોદરાના આજવા રોડ પર ગઈ રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજવા રોડ શ્રી હરિ ટાઉનશિપમાં રહેતા આદર્શ રાજેન્દ્રકુમાર સિંહ, જે નિઝામપુરા સ્થિત એરટેલ કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત છે, તે રાત્રે લગભગ 9:30 વાગ્યે બુલેટ લઈને સરદાર એસ્ટેટ તરફથી ઘરે પાછા ફરી રહ્યા હતા. તે દરમિયાન શ્રી હરિ ટાઉનશિપ પાસેના ડિવાઈડરના કટ પરથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કમલા નગર તળાવ તરફથી સફેદ રંગની કાર પૂરઝડપે આવી અને તેમની બુલેટને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી તેજ હતી કે આદર્શ રોડ પર ફંગોળાઈને ઇજાગ્રસ્ત થયો હતો તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન થતા બાપોદ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાર ચાલક પ્રતીક ગુલાબરાવ બોરસે (રહે. ડ્રીમ હેવન, આજવા રોડ)ને ઝડપી લીધો હતો. કાર ચાલક દારૂના નશામાં હોવાનું નોંધાયું હતું અને તેની કારમાંથી દારૂની ચાર નાની બોટલો પણ જપ્ત કરી હતી.પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પ્રતીક ગુલાબરાવ બોરસે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરી કરે છે. અકસ્માતની ઘટનાના પગલે તેની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ મામલે ડીસીપી ઝોન-4 એન્ડ્રુ મેકવાને નિવેદન આપતાં જણાવ્યું કે ફરિયાદ આધારે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં આરોપી સામે વધુ તપાસ ચાલુ છે.
