વડોદરા ખાતે આજે મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ સહિતની તમામ શાખાઓમાં અચાનક સુમસામ માહોલ જોવા મળ્યો હતો. પાલિકાના કર્મચારીઓ ત્રાહિત વ્યક્તિઓની કનડગત, ત્રાસ અને રોજિંદા કામગીરીમાં થતા સતત વિક્ષેપને કારણે સામૂહિક રજા (માસ C.L.) પર ઉતરી ગયા હતા, જેના કારણે દૈનિક કામકાજ પ્રભાવિત થયું હતું.
મળતી માહિતી મુજબ, પાલિકાના વર્ગ-1ના અધિકારીઓએ ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ત્રાહિત વ્યક્તિઓના વધતા દબાણ, અનાવશ્યક ત્રાસ અને કામમાં ઊભી થતી અડચણોને કારણે નિયમિત કામગીરી અસરગ્રસ્ત બની રહી છે. જો આ વિષય પર તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો માસ C.L. પર જવાના ચેતવણી પણ આપવામાં આવી હતી
આજે સવારથી જ આ ચેતવણીનો અસરકારક અમલ જોવા મળ્યો હતો. સીટી એન્જિનિયર, એડિશનલ સીટી એન્જિનિયર સહિતના ઉચ્ચ અધિકારીઓની ખુરશીઓ ખાલી હતી. રોજિંદા ધમધમતી રહીતી ઓફિસોમાં આજે કાગડા ઉડતાં જણાયા હતાં. કચેરીમાં આવનાર નાગરિકો કંઈ કામ ન થતાં નિરાશ થઈ પાછા ફર્યા હતા.
આરટીઆઈ કાર્યકર્તા ભરતભાઈ શાહે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “મને અપીલ માટે બોલાવ્યું હતું. મારી RTIને 60 દિવસથી વધુ થઈ ગયા છતાં એક પણ પેપરનો જવાબ નથી આપવામાં આવ્યો. કચેરીમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર નથી, અન્ય કર્મચારીઓ નથી, લિફ્ટ પણ બંધ છે. વૃદ્ધો ઉપર ચડતા ચડતા તકલીફ અનુભવી રહ્યાં છે અને કામ ન થતાં પરત જવું પડી રહ્યું છે. ફોન પર પણ કોઈ જવાબ આપવામાં આવતો નથી.”
કર્મચારીઓના આ અચાનક સામૂહિક રજાના પગલાથી નાગરિકોને સમય સાથે આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું હતું
