વડોદરાના સમા રોડના ત્રણ રસ્તા ‘અકસ્માત ઝોન’ બન્યા, સતત દુર્ઘટનાઓથી નાગરિકોમાં ચિંતા વ્યાપી છે
વડોદરા શહેરના સમા રોડ પર મામલતદાર કચેરી પાસે આવેલ ત્રણ રસ્તો છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતનું કેન્દ્રબિંદુ બની ગયો છે. માત્ર બે દિવસમાં અહીં ચાર જેટલા અકસ્માતો થતા અને તે સીસીટીવી કેમેરામાં કેદ થતા વિસ્તારના લોકોમા ચિંતા ફેલાઈ છે.વધતા ટ્રાફિક વચ્ચે નિયમોનું પાલન ન થવું, બેદરકારીપૂર્વક વાહન હાંકવું અને સ્થળ પર સ્પીડ બ્રેકર જેવી સુવિધાનો અભાવ—આ તમામ કારણો અકસ્માતોને આમંત્રિત કરી રહ્યા છે, એવું સ્થાનિક નાગરિકોનું કહેવું છે. સીસીટીવી ફૂટેજ મુજબ, છેલ્લા બે દિવસમાં અહીં ત્રણ અલગ-અલગ અકસ્માતોમાં વાહન ચાલકોને ઈજાઓ પહોંચી છે તથા વાહનોને નુકસાન થયું છે. આજે સવારે પણ એ જ સ્થળે એક ઇકો કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા વધુ એક અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.એક જ સ્પોટ પર અવારનવાર અકસ્માતો થતાં નાગરિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને આ ત્રણ રસ્તાને ‘જોખમ ઝોન’ તરીકે જોવામાં આવી રહ્યું છે. ગત દિવસે ત્રણ અલગ સીસીટીવી ક્લિપ્સ સામે આવ્યા બાદ ચર્ચાઓ વધુ જોર પકડી રહી છે.સ્થાનિક નાગરિકોએ તંત્રને માંગણી કરી છે કે— જરૂરી સ્થળે સ્પીડ બ્રેકર અને ટ્રાફિક સાઇનબોર્ડ લગાવવામાં આવે જોખમકારક વળાંકો પર ચેતવણી બોર્ડ સ્થાપિત કરવામાં આવે ટ્રાફિક નિયંત્રણ માટે પગલાં તાત્કાલિક લેવાય તેમજ જરૂરી અભ્યાસ બાદ યોગ્ય પગલાં આ સ્થળે લેવાવા જોઈએ તેવી માંગ કરી હતી. સાથે જ વાહનચાલકોને પણ જવાબદારીપૂર્વક વાહન હાંકવાની અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે, જેથી પોતાનું અને અન્ય નાગરિકોનું જીવન સુરક્ષિત રહે.
