સયાજીબાગમાં મુલાકાતીઓ માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ કરવાની માંગ સાથે આજે સવારે મોર્નિંગ વોકર્સ સહિત જાગૃત નાગરિકોએ કમાટીબાગ ખાતે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરાની ઓળખ સમાન સયાજીબાગને મહારાજા સયાજીરાવ ગાયકવાડે 8 જાન્યુઆરી 1879ના રોજ પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડે તે સમયે આપેલા ભાષણના મૂળ શબ્દો આ પ્રમાણે હતા.“આપણે બધાને તાજી હવા, લીલુ ઘાસ અને સુંદર ફૂલો ગમે છે… પણ આ મોટા શહેરમાં મોટી વસ્તી છે અને તેઓ ગીચોગીચ વસે છે. એમાંના ઘણા લોકો એવા શ્રીમંત નથી કે પોતાના ઘરે બાગ બનાવી શકે અને એવા શ્રીમંત તો કોઈ નથી કે જે આટલો વિશાળ બાગ બનાવી શકે.”આજના શાસકો તો નવીન બાગ બગીચા આ લેવલના બનાવી શક્યા નથી પણ જે બાગ બગીચા છે તેમાં પણ અર્થ વગરના નિયમોના નામે પ્રજાને હેરાન કરી રહ્યા છે.ગાયકવાડ શાસન સમયમાં નગરજનો માટે અનેક ઐતિહાસિક ઈમારતો અને બાગ–બગીચાઓ ભેટમાં આપવામાં આવ્યા હતા. પરંતુ આજના શાસકો અને વહીવટી તંત્ર હેરિટેજ ઈમારતોની જાળવણી પણ યોગ્ય રીતે કરી શક્યા નથી, એવો નાગરિકોનો આક્ષેપ છે. હવે સયાજીબાગની અંદર પ્રવેશ કરનારાઓ માટે રજીસ્ટ્રેશનના નિયમોને કારણે પ્રજા વધુ હેરાન–પરેશાન થઈ રહી છે.આજે “વોક ફોર જસ્ટિસ” જનઆંદોલન હેઠળ બેન્ડ સ્ટેન્ડ પર નાગરિકોએ સયાજીબાગ બચાવો અભિયાન ચલાવ્યું હતું આ રજીસ્ટ્રેશન વિરોધ આંદોલનમાં નરેન્દ્ર રાવત, અમી રાવત, વિજય વાધવાણી, રોનક પરીખ, દિનેશ લીંબચિયા સહિત શહેરના જાગૃત નાગરિકો જોડાયા હતા. તેમણે સ્પષ્ટ માંગ કરી કે —સર સયાજીરાવની ભેટ સયાજીબાગમાં રજીસ્ટ્રેશન નામે વ્યાપારીકરણ બંધ કરવું જોઈએ.વડોદરાનાં તમામ બાગ–બગીચાઓમાં ફરજિયાત એન્ટ્રી રજીસ્ટ્રેશનનો નિર્ણય રદ્દ કરવો જોઈએ.આ બાગમાં ઘણા બધા મુલાકાતથી આવતા હોય છે બાગમાં સીસીટીવી લાગેલા છે સિક્યુરિટી મૂકેલી છે જો કોઈ અયોગ્ય હોય તો તેની સામે કાર્યવાહી થાય પણ બધાને હેરાનગતિ ન થવી જોઈએ મોર્નિંગ વોકર્સ તેમજ જાગૃત નાગરિકો દ્વારા “જાગો વડોદરા”, “સયાજીબાગ બચાવો – વડોદરાનું હૃદય બચાવો”ના સૂત્રોચ્ચાર સાથે નિર્ણયને સંસ્કારીનગરી માટે બદનામ કરતો અને પ્રજાને હેરાન કરતો ગણાવી આ નિર્ણયને પાછો ખેંચવાની માંગણી કરી હતી.
