વડોદરા: વડોદરા શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા હવે વધુ આધુનિક અને પર્યાવરણને અનુકૂળ દિશામાં આગળ વધવા જઈ રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસ તેમજ પ્રદૂષણ નિવારણને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં જાન્યુઆરી મહિનાથી ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવશે એવી સત્તાવાર જાહેરાત મ્યુનિસિપલ કમિશ્નરે કરી છે.
પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં કુલ 40 ઈ-બસો રસ્તા પર દોડાવવામાં આવશે. આ સાથે વડોદરા શહેરમાં વધતા પ્રદૂષણ, ટ્રાફિક અને રસ્તા પરિવહનની સમસ્યામાં લોકો માટે મોટી રાહત મળશે તેમ મનાય છે. લાંબા ગાળાના આયોજન મુજબ શહેરમાં કુલ 250 ઈલેક્ટ્રીક બસો દોડાવવાનો પ્લાન છે.
ઈ-બસો દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, નોઇઝ પોલ્યુશન નિયંત્રણ અને ઓપરેશનલ ખર્ચ ઘટાડવા જેવા અનેક લાભો મળશે. સાથે જ વડોદરાના એર ક્વોલિટી ઇન્ડેક્સને નિયંત્રણમાં રાખવા આ નિર્ણય એક માઈલસ્ટોન પુરવાર થઈ શકે છે.
માત્ર બસ સેવા જ નહીં, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વધતા ધૂળ-ધૂમાડાને નિયંત્રણમાં લેવા ખાસ સ્મોક ગન્સ ખરીદવામાં આવશે. આ સ્મોક ગન્સ રસ્તા, બાંધકામ વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉપયોગમાં લેવામાં આવશે જેથી હવામાં ઉડતા ધૂળના રજકણો નિયંત્રણમાં લાવી શકાય.
વીએમસી દ્વારા વધારાના આયોજનમાં ઈ-વેહિકલ્સને પ્રોત્સાહન, હરિત ઝોનનો વધારો અને મોટા પાયે વૃક્ષારોપણનો પણ સમાવેશ થાય છે.
વડોદરાને “પ્રદૂષણમુક્ત અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટ મોડલ સિટી” બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે એવી ખાતરી કમિશ્નરે આપી.
